ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી

ડિજીટ ઇન્સ્યોરન્સ પર જાઓ

મેડિકલ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રકારો વિશેની માહિતી

તમારા માટે સૌથી મોટો આઘાત તમારા પ્રિયજનોને ગુમાવવાનો છે, પરંતુ તેના કરતા પણ ખરાબ છે કે તમે પૈસાના અભાવે તેમની સારવાર ન કરાવી શકો. દુ:ખના સમયે માત્ર પોતાના જ કામ આવે છે, ખરૂં ને ? તમે બધાએ તેને ફક્ત સાંભળ્યું જ નહીં પરંતુ જીવનમાં ઘણી વાર અનુભવ્યું પણ હશે.

હેલ્થકેર ફેસિલિટીસના ભાવમાં થતા વધારા સામે આજકાલ હવે માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી જ એક શ્રેષ્ઠ વિકલ્પ રહે છે. તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે વિવિધ પ્રકારની વીમા પોલિસીઓ ઉપલબ્ધ છે. તો ચાલો, ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની હેલ્થ ઈન્સ્યોરન્સની ચર્ચા કરીએ.

ભારતની 7 પ્રકારની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ

1. વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ

ઈન્ડિવિડ્યુઅલ હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક પોલિસી છે જે તમે તમને, તમારા જીવનસાથી, બાળકો અને માતા-પિતાને આવરી લેવા માટે ખરીદી શકો છો. આ પ્રકારની ઈન્સ્યોરન્સ પોલિસી ઈજા અને બીમારી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવા, સર્જરીના ખર્ચ, રૂમનું ભાડું, ડેકેરની પ્રક્રિયાઓ સહિતના ખર્ચાઓને આવરી લે છે.

વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવેલ દરેક સભ્ય પાસે વ્યક્તિગત સમઅશ્યોર્ડ હશે. ઉદાહરણ તરીકે જો તમે તમારા જીવનસાથી, 2 બાળકો અને તમને પોતાને આવરી લેતી 3 લાખની વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ લીધી હશે તો આવરી લેવામાં આવેલી દરેક વ્યક્તિ પાસે રૂ. 3 લાખનો વ્યક્તિગત સમઅશ્યોર્ડ હશે. જોકે તેને કારણે પ્રીમિયમ વધી જાય છે.

18 વર્ષથી 70 વર્ષની વચ્ચેના લોકો આ પ્લાન ખરીદી શકે છે. વ્યક્તિગત પોલિસીની ખરીદીનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તે દરેક કવર થયેલ સભ્ય માટે વ્યક્તિગત વીમા રકમની મર્યાદા પણ ઓફર થાય છે.

2. ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ

જો તમે તમારા પરિવારના તમામ સભ્યો માટે સસ્તો હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ઇચ્છતા હોવ તો ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ  હેઠળ આવરી લેવામાં આવેલા તમામ સભ્યો માટે સિંગલ સમ ઈન્સ્યોર્ડ ફ્લોટ થાય છે. ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ફાયદાકારક છે કારણ કે પ્રીમિયમ વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી કરતાં તુલનાત્મક રીતે ઓછું છે. આ પોલિસી તમને, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતાને આવરી શકે છે.

તમારે તમારા પરિવારના 60 વર્ષથી વધુ ઉંમરના સભ્યોને આ પ્લાનમાં ન ઉમેરવા જોઈએ. તેઓ બિમારી માટે વધુ સંવેદનશીલ હોય છે અને તેથી તેમના કારણે પ્રીમિયમને મસમોટી અસર થશે.

જો તમે અથવા તમારા પરિવારના સૌથી મોટા સભ્યની ઉંમર 60 વર્ષથી ઓછી છે તો તમારે ફેમિલી ફ્લોટર પોલિસી ખરીદવી જોઈએ.

3. ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ

ગ્રૂપ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી એકસાથે કામ કરતા કર્મચારીઓના સમૂહ માટે બનાવાઈ છે. તેથી જો તમે સ્ટાર્ટ-અપ અથવા કોર્પોરેટ હાઉસના માલિક છો તો તમારે તમારા કર્મચારીઓ માટે આવ યોજનાઓ ખરીદવા માટેનો ઉત્તમ પ્લાન છે. તે કર્મચારીઓને આપવામાં આવતો એક પ્રકારનો લાભ જ છે. એમ્પ્લોયર તરીકે તમે કર્મચારીની જાળવણીના દરને વધારવા માટે કવર ખરીદી શકો છો.

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ઓછી કિંમતના પ્રીમિયમ સાથે આવે છે. આ પોલિસીમાં સમઅશ્યોર્ડની રકમ ખતમ થઈ જાય તો કેટલીક વીમા કંપનીઓ તેને રીફિલ કરવાની મંજૂરી આપે છે અને તે પણ અમર્યાદિત વખત. ગ્રૂપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન તમને અકસ્માત, બીમારી, ગંભીર બીમારી, માનસિક બીમારી અને પ્રસૂતિને કારણે હોસ્પિટલાઈઝેશનના ખર્ચમાં રાહત આપે છે.

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી તમારા કર્મચારીઓને માત્ર કવર જ મળતું નથી પરંતુ તમારી કંપનીની ગુડવિલ વધે છે. અહીં એક મહત્વનો મુદ્દો સમજવા જેવો છે કે કર્મચારીઓ તમારી કંપની સાથ જોડાયેલા રહે ત્યાં સુધી જ તેઓને આવરી લેવામાં આવે છે.

4. સીનિયર સિટીઝન હેલ્થ ઈન્સ્યોરન્સ

60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવેલ પોલિસીને સીનિયર સિટીઝન હેલ્થ ઈન્સ્યોરન્સ કહેવામાં આવે છે. જો તમારા માતા-પિતા અથવા દાદા-દાદી 60 વર્ષથી ઉપરના છે, તો આ કવર તમારા માટે સારી પસંદગી છે.

સીનિયર સિટીઝન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી દવાઓની કિંમત, અકસ્માત અથવા બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થવા, હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછી અને સારવાર માટેનું કવરેજ પ્રદાન કરશે. આ સાથે ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન અને માનસિક લાભો જેવા કેટલાક અન્ય લાભો પણ આવરી લેવામાં આવ્યા છે.

કેટલીક ઈન્સ્યોરન્સ કંપનીઓ સીનિયર સિટીઝન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી વેચતા પહેલા શરીરની સંપૂર્ણ તપાસ માટે પણ કહે છે. લાઈટાઈમ રીન્યુએબિલિટી સાથે મહત્તમ પ્રવેશ વય મર્યાદા વધારીને 70 વર્ષ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે વરિષ્ઠ નાગરિકો બીમારીઓ માટે વધુ સંવેદનશીલ હોય છે તેથી આ પ્લાન્સ અન્ય આરોગ્ય વીમા પોલિસીઓ કરતાં વધુ ખર્ચાળ છે.

5. પ્રસૂતિ હેલ્થ ઈન્સ્યોરન્સ

બેઝિક હેલ્થ ઈન્સ્યોરન્સની  સાથે મેટરનિટી કવર રાઇડર તરીકે ખરીદી શકાય છે. પ્રેનેટલ સ્ટેજ, ડિલિવરી અને પોસ્ટ-નેટલ સ્ટેજમાં થયેલા તમામ ખર્ચને આવરી લેવામાં આવે છે.

નવા પરિણીત યુગલો અથવા પરિવારો કે જેઓ આગામી વર્ષોમાં બાળકનું આયોજન કરી રહ્યા છે તેઓએ આ પોલિસી ખરીદવી જોઈએ. તે બાળકની ડિલિવરી (જરૂરી તમામ મેડિકલ ટ્રીટમેન્ટ સહિત), વંધ્યત્વ ખર્ચ અને નવજાત બાળક માટે તેના પ્રથમ 90 દિવસ સુધીનું કવરેજ આવરી લે છે. મેટરનિટી કવરમાં ઓછામાં ઓછો 2 વર્ષનો વેઈટિંગ પીરિયડ હોય છે.

6. ગંભીર બીમારી ઈન્સ્યોરન્સ

માનવ લાઈફસ્ટાઈલ સંબંધિત બિમારીઓના બનાવો વધી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓએ ક્રિટિકલ ઈલનેસ પોલિસી (ગંભીર બીમારીનો વીમો) ઓફર કરે છે.

મધ્યમ-વર્ગીય પરિવારોને સમર્પિત અને તેમના માટે રચાયેલ આ હેલ્થ ઈન્સ્યોરન્સમાં નીચેના રોગો આવરી લેવામાં આવ્યા છે:

  • કેન્સર
  • સ્ટ્રોક
  • કિડની ફેલ થવી
  • લકવો
  • કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
  • પ્રથમ હાર્ટ એટેક
  • પલ્મોનરી આર્ટેરિયલ હાયપરટેન્શન
  • મલ્ટીપલ સ્ક્લેરોસિસ
  • એરોટા ગ્રાફ્ટ સર્જરી

આ બિમારીઓની સારવાર કરાવવી ખૂબ જ ખર્ચાળ હોય છે. ક્રિટિકલ ઈલનેસ પોલિસી હેઠળ બિમારીની શરૂઆતથી જ રોગના નિદાન પાછળ થતા ખર્ચથી લઈને સારવાર માટે થતા વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના જ પૂર્વનિર્ધારિત રકમ ચૂકવશે.

 ક્રિટિકલ ઈલનેસ પોલિસી ખરીદવા સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ નિર્ણય ન હોઈ શકે કારણકે તે તમારી બચત પર થતા હુમલાને અટકાવે છે. પોલિસીમાં લાઈફટાઈમ રીન્યૂએબિલિટી પણ છે. જો તમે ક્રિટિકલ ઈલનેસ પોલિસી ખરીદો છો તો બીમારીના નિદાન બાદ 30 દિવસ સુધી તમારૂં જીવિત રહેવું જરૂરી છે.

જો તમારા પરિવારમાં પહેલાં જ કોઈકને આ બિમારી થઈ હોય તો ચોક્ક્સથી તમારે આ પ્લાન લેવો જોઈએ. લમ્પસમ રકમ સિવાય ક્રિટિકલ ઈલનેસ પોલિસી તમારી સંભાળ અને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચની પણ ભરપાઈ કરે છે. આ સિવાત તમને હેલ્થ ચેકઅપનો વધારાનો લાભ પણ આપવામાં આવે છે.

પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે એકવાર ક્લેયમ દાખલ કરવામાં આવ્યા બાદ સમ-ઈન્સ્યોર્ડની રકમ લમ્પસમ એટલેકે એકસાથે ચૂકવવામાં આવશે. સમ-ઈશ્યોર્ડ રિલીઝ થયા પછી પોલિસી સમાપ્ત થયેલ ગણાશે.

7. ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ

જો તમે વધુ રકમ માટે કવરેજ મેળવવા માંગતા હોવ તો તમે ટોપ-અપ પોલિસી ખરીદી શકો છો. પરંતુ આવી યોજનાઓ "કપાતપાત્ર નિયમ" સાથે આવે છે. તેથી ક્લેયમની ચૂકવણી પોલિસીમાં દર્શાવેલ નિર્ધારિત રકમથી વધુ કરવામાં આવશે.

દાખલા તરીકે જો તમે 15 લાખનું કવર લીધું હોય અને તેમાં રૂ.3 લાખની કપાતપાત્ર હોય, તો તમારે રૂ.3 લાખ સુધીનો ક્લેયમ સહન કરવો પડશે. આ સિવાયની વધુની રકમ ઈન્સ્યોર્ર દ્વારા ચૂકવવામાં આવશે.

તેથી જો તમે તમારી બેઝિક હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ઉપર વધારાનું કવર મેળવવા માંગતા હોવો તો તમે આ પ્લાન ખરીદી શકો છો.

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન હેઠળ તમને વીમા કંપની દ્વારા ઓફર કરાયેલ દૈનિક રોકડ ભથ્થું પણ મળે છે. આ દૈનિક ખર્ચ 30-45 દિવસ માટે ભરપાઈ કરવામાં આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચથી અલગ છે.

જેમ જેમ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીની માંગ વધી છે, તેમ તેમ વીમા કંપનીઓ અને તેમના ઉત્પાદનોની સંખ્યામાં વધારો થયો છે. તબીબી ખર્ચ વધી રહ્યો છે અને ઉપરોક્ત કોઈપણ પોલિસી ખરીદવી જરૂરી પણ બનતી જઈ રહી છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ જરૂરી છે ?

તમે જીવનમાં શક્ય તેટલી વહેલી તકે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવા વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. નાની ઉંમરે હેલ્થ પ્લાન ખરીદવાના અનેક ફાયદા છે કારણ કે તમે તમારા જીવનના પ્રારંભિક તબક્કે વેઈટિંગ પીરિયડના સમયગાળામાંથી છૂટકારો મેળવો છો, જ્યારે બિમારીની સંભાવના પણ ઓછી હોય છે. આ સિવાય તમે કમ્યુલેટિવ બોનસ નોંધપાત્ર રકમ કમાઈ શકો છો અને તમે વર્ષો વીતતા સમઈન્સ્યોર્ડની રકમ વધારી પણ શકો છો.

પરંતુ તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી રાખવાના અન્ય મહત્વપૂર્ણ પાસાઓને પણ જાણવા-સમજવા જોઈએ જેમ કે :

  • ઈન્સ્યોરન્સ તમને મનની શાંતિ અને ચિંતામુક્ત જીવન આપે છે.
  • તમને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળે છે કારણ કે ખર્ચ વીમા કંપની દ્વારા આવરી લેવામાં આવશે.
  • જો હેલ્થ ઈન્સ્યોરન્સ તમારા એમ્પ્લોયર તરફથી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે આપવામાં આવે છે તો તમારી બચતમાં સુધારો કરી શકો છો.
  • કેટલીક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ કોમ્પલિમેન્ટરી હેલ્થ ચેકઅપ ઓફર કરે છે.
  • હેલ્થ ઈન્સ્યોરન્સ સામાન્ય નજરે ખર્ચ છે પરંતુ, તકલીફના સમયમાં તમારી માટે બચત તરીકે કામ કરે છે. તમે પ્રીમિયમ ચૂકવશો પરંતુ તમને મળતી નાણાકીય મદદની રકમ ઘણી વધારે હોય છે.
  • ટેક્સ લાભ: હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી તમને આવકવેરાની કલમ 80D હેઠળ કર લાભ મળશે.

તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનને ખરીદતા પહેલાં તપાસવા માટેની સરળ, જરૂરી અને ઝડપી ટિપ્સ

બજારમાં અનેક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ છે ત્યારે તમારી જરૂરિયાતો અનુસાર એક હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવો પડકારરૂપ બની શકે છે, પરંતુ તમે તમારા ઈન્સ્યોરન્સ પ્રોડકટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ધ્યાનમાં લેવા માટેના અમુક જરૂરી સરળ ઝડપી ચેકલિસ્ટ નીચે મુજબ છે…

  • નક્કી કરેલ સમઈન્સ્યોર્ડ-વીમા રકમની ફરી તપાસીને જરૂરિયાત મુજબ તેની ખાતરી કરો. તે તમારા અથવા તમારા પરિવારના સભ્યો માટે પૂરતું હશે કે કેમ તે વિશે ચોક્કસથી વિચારો.
  • તમારા પર આશ્રિત માતાપિતા માટે સમ ઈન્સ્યોર્ડની લિમિટ સેટ કરો.
  • ઓછામાં ઓછા વેઈટિંગ પીરિયડ વાળો બેસ્ટ પ્લાન પસંદ કરો.
  • મહત્તમ એજ-રીન્યૂઅલ તપાસો.
  • ઝડપી ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી કંપનીઓ પાસેથી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદીને પ્રાધાન્ય આપો.
  • એવી ઈન્સ્યોરન્સ કંપની પસંદ કરો જેની પાસે સૌથી વધુ હોસ્પિટલનું નેટવર્ક હોય.